04 August 2015

GSPCએ $3.4b ખર્ચ્યા છતાં ઉત્પાદનમાં વિલંબ

નવી દિલ્હી:ગુજરાત સરકારની કંપની GSPCએ ક્રિષ્ના-ગોદાવરી (KG) બેસિનમાં દીનદયાલ ડિસ્કવરી ખાતે ગેસનું ટ્રાયલ ઉત્પાદન શરૂ કર્યા બાદ અને 3.4 અબજ ડોલર ખર્ચ્યા હોવા છતાં હજુ સુધી વ્યાપારિક ધોરણે ઉત્પાદન શરૂ કર્યું નથી. કંપની ત્યાં 0.6 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પર ડે (mmscmd) ગેસનું ઉત્પાદન કરે છે. 

ઓઇલ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે, "ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)એ 4 ઓગસ્ટ 2014ના રોજ આ ક્ષેત્રમાં ગેસનું ટ્રાયલ ઉત્પાદન શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું નથી. મંજૂર થયેલા ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન (FDP) પ્રમાણે, બીજા વર્ષે 3.83 mmscmd ઉત્પાદન કરવાનું હતું અને ત્રીજા વર્ષમાં 5.24 mmscmdનું સર્વોચ્ચ ઉત્પાદન હાંસલ કરવાનું હતું." 

કુદરતી રીતે ઘટાડો થાય અને 20મા વર્ષ સુધીમાં ઉત્પાદન ઘટીને 1.68 mmscmd થાય તેની પહેલાં 11 વર્ષ સુધી 5.24 mmscmdનું સર્વોચ્ચ ઉત્પાદન સ્તર જાળવી રાખવાનું હતું. 

2005માં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, "GSPCએ KG બેસિનમાં સૌથી મોટી ડિસ્કવરી કરી છે અને તે 20 ટ્રિલિયન ઘન ફૂટ ગેસનો ભંડાર ધરાવે છે. આ ભંડાર RILના જાણીતા KG-D6 બ્લોકના ભંડાર કરતાં 50 ટકા વધુ છે." 

અધિકારીએ કહ્યું હતું કે, ઓઇલ-ગેસ સેક્ટરના નિયમનકાર ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ (DGH)એ આ ક્ષેત્રમાં 1.8 ટ્રિલિયન ઘન ફૂટ ભંડાર હોવાનું સર્ટિફાઇ કર્યું હતું અને ત્યાંથી 2013માં ઉત્પાદન શરૂ કરવાનું હતું પરંતુ તકનીકી મુશ્કેલીઓને કારણે તેમાં વિલંબ થયો છે.

No comments:

Post a Comment