03 August 2015

સરકારી બેન્કોના મૂડીકરણમાં કરદાતાઓના રૂ.45,500 કરોડ હોમાયા

મુંબઈ/કોલકાતા:જાહેર ક્ષેત્રોની બેન્કોના મૂડીકરણમાં છેલ્લાં ચાર વર્ષમાં કરદાતાઓના રૂ.૪૫,૫૦૦ કરોડ ગયા છે અને આ કવાયત તળિયા વગરના કૂવામાં નાણાં નાખવા સમાન સાબિત થઈ છે. પીએસયુ બેન્કોની બેડ લોન વધવાથી સરકારે આટલી રકમ નાખવી પડી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ રસ્તે છે, જેમાં આગામી ચાર વર્ષમાં પીએસયુ બેન્કોમાં રૂ.70,000 કરોડની મૂડી નાખવામાં આવશે. પીએસયુ બેન્કો આ રીતે બેડ લોન વધારતી જશે અને વસૂલાત નહીં કરી શકે તો તેનું પરિણામ પણ પહેલાં જેવું જ આવશે.

જાહેર ક્ષેત્રની બેન્કોમાં સ્ટ્રેસ્ડ એસેટ્સનું પ્રમાણ દરેક ક્વાર્ટરમાં ઉત્તરોત્તર વધી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેન્કો માટે નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) સૌથી મોટી ચિંતા છે તેમ બધા બેન્કરો માને છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કો મોટા ભાગની સ્ટ્રેસ્ડ એસેટ્સમાંથી વસૂલાત કરી શકતી નથી અને તેના લીધે નવી મૂડીનો ઉપયોગ બેલેન્સશીટ સુધારવા માટે કરવામાં આવે છે.

તેના પરિણામે મૂડીપર્યાપ્તતામાં ઘટાડો કર્યા વગર ધિરાણ કરવા માટે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના સિનિયર ડિરેક્ટર આનંદ ભૌમિકે જણાવ્યું હતું કે, "કેટલીક સ્ટ્રેસ્ડ એસેટ્સને બેન્કો દ્વારા પૂરતા પ્રમાણમાં આવરી લેવાઈ નથી. તેને આવરી લેવા માટે તેમને વધારે પ્રમાણમાં મૂડીકરણની જરૂર છે."

પુનર્ગઠન માટે નિયમનકારી અવરોધની નાબૂદી અને રિસ્ટ્રક્ચર્ડ એસેટ્સમાં ગરબડના ઊંચા પ્રમાણના લીધે જૂન ક્વાર્ટરમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા જેવી બેન્કોની એનપીએમાં વધારો થયો છે. તેના લીધે તેમની ત્રિમાસિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બેન્ક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 84 ટકા ઘટી રૂ.130 કરોડ થયો છે, જ્યારે પીએનબીનો ચોખ્ખો નફો અડધો થઈ રૂ.721 કરોડ થયો છે.

"આદર્શ રીતે જોઈએ તો બેન્કોએ તેમની બેડ લોનના 70 ટકા કવર કરી લેવી જોઈએ, પરંતુ મોટા ભાગનાએ તેનાથી પણ ઓછા પ્રમાણને કવર કર્યું છે તેથી તેમની બેલેન્સશીટ સુધારવા નાણાં ઠાલવવા પડ્યાં છે." એમ એન્જલ બ્રોકિંગના વાઇસ પ્રેસિડન્ટ વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું. તેના માટે બજારમાં પ્રવેશીને મૂડી ઊભી કરવી જ સમજદારીભર્યું પગલું છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે પણ મેમાં પ્રકાશિત થયેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય બેન્કોની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) રૂ.60,000 કરોડ વધીને રૂ.4 લાખ કરોડ થવાનો અંદાજ છે. એસેટ્સની ટકાવારીના પ્રમાણમાં જોઈએ તો નાણાકીય વર્ષ 2015-16માં કુલ એનપીએ 0.20 ટકા વધીને 4.5 ટકા થવાનો અંદાજ છે. પીએસબી જૂથની કુલ એનપીએ ગયા નાણાકીય વર્ષના અંતે 5.17 ટકા જેટલી ઊંચી હતી.

No comments:

Post a Comment